અક્રમ વિજ્ઞાની,યુગદ્રષ્ટા, સંગમેશ્વર શ્રી “દાદા ભગવાન”
:ર૧:
જીવન જીવવાની કળા
ભગવાને કહ્યું કે, ‘હે જીવો ! બુઝો, બુઝો, બુઝો. મનુષ્યપણું ફરી મળવું મહાદુર્લભ છે.’
આવી ‘લાઇફ’માં શો સાર ?
આ જીવનનો હેતુ શું હશે, એ સમજાય છે ? કંઈક હેતુ તો હશે ને ? નાના હતા, પછી ઘૈડા થાય છે ને પછી નનામી કાઢે છે ! નનામી કાઢે છે ત્યારે આપેલું નામ લઈ લે છે. અહીં આવે કે તરત નામ આપવામાં આવે છે, વ્યવહાર ચલાવવા. જેમ ‘ડ્રામા’માં ભર્તુહરિ નામ આપે છે ને ? ‘ડ્રામા’ પૂરો એટલે નામ પૂરું ! એમ આ વ્યવહાર ચલાવવા નામ આપે છે અને એ નામ ઉપર બંગલા-‘મોટર’-પૈસો રાખે છે અને નનામી કાઢે છે ત્યારે એની જપ્તી થઈ જાય છે. લોકો જીવન ગુજારે છે ને પછી ગુજરી જાય છે ! આ શબ્દો જ ‘ઇટસેલ્ફ’ કહે છે કે આ બધી અવસ્થાઓ છે !! ગુજારો એટલે જ વાટખર્ચી ! હવે આ જીવનનો હેતુ મોજશોખ હશે કે પછી પરોપકાર માટે હશે ? કે પછી શાદી કરીને ઘર ચલાવવું એ હેતુ છે ? આ શાદી તો ફરજિયાત હોય છે. કોઈને ફરજિયાત શાદી ન હોય તો શાદી ના થાય, પણ નાછૂટકે શાદી થાય છે ને ?! આ બઘું શું નામ કાઢવાનો હેતુ છે ? આગળ સીતા ને એવી સતીઓ થઈ ગયેલી, તે નામ કાઢી ગયેલી ! પણ નામ તો અહીંનું અહીં જ રહેવાનું છે ને જોડે શું લઈ જવાનું છે? તમારી ગૂંચો !
તમારે મોક્ષે જવું હોય તો જજો ને ના જવું હોય તો ના જશો, પણ અહીં તમારી ગૂંચોના બધા જ ખુલાસા કરી જાઓ. અહીં તો દરેક જાતના ખુલાસા થાય. આ વ્યાવહારિક ખુલાસા થાય છે તોય વકીલો પૈસા લે છે ! પણ આ તો અમૂલ્ય ખુલાસો, એનું મૂલ્ય ના હોય. આ બધો ગૂંચાળો છે અને તે તમને એકલાને જ છે એમ નથી, આખા જગતને છે. ‘ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ.’ આ ‘વર્લ્ડ’ ‘ઇટસેલ્ફ પઝલ’ થયેલું છે.
ધર્મ વસ્તુ તો પછી કરવાની છે, પણ પહેલી જીવન જીવવાની કળા જાણો ને શાદી કરતાં પહેલાં બાપ થવાનું લાયકાતપત્ર મેળવો. એક ‘ઍન્જિન’ લાવીએ, એમાં ‘પેટ્રોલ’ નાખીએ અને ચલાવ ચલાવ કરીએ, પણ એ ‘મીનિંગલેસ’ જીવન શું કામનું ? જીવન તો હેતુસર હોવું જોઈએ. આ તો ‘ઍન્જિન’ ચાલ્યા કરે, ચાલ્યા જ કરે, એ નિરર્થક ના હોવું જોઈએ. એને પટ્ટો જોડી આપે તોય કંઈક દળાય, પણ આ તો આખી જિંદગી પૂરી થાય છતાં કશું જ દળાતું નથી અને ઉપરથી આવતા ભવના વાંક ઊભા કરે છે. (more…)























