Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

Dadaji Aptasutra in Gujarati August 24, 2010

Filed under: Apta Sutra — jssyouth @ 12:53 pm

Aptasutra

– Dada Bhagwan

૭૦૩  આપણે એક જ વસ્તુ ‘પોઝિટિવ’ જોવાનું. જગત ‘પોઝિટિવ’ અને ‘નેગેટિવ’ને રસ્તે છે. જ્યારે ત્યારે તો એ ‘નેગેટિવ’ને ‘પોઝિટિવ’ કરશે. તો આપણે પહેલેથી ‘પોઝિટિવ’ કેમ ના રહીએ ?

૭૦૪  નેગેટિવ ભાંગવામાં જેટલો ટાઈમ નકામો જાય છે, એના કરતાં ‘પોઝિટિવ’માં તરત જ ‘જોઈન્ટ’ થઈ જાય છે, ‘ઓટોમેટિકલી’. અશુભ કર્મો દૂર કરવામાં નકામો ટાઈમ શું કરવા બગાડે છે ?!

૭૦૫  બે જ વસ્તુ છે : ‘પોઝિટિવ’ ને ‘નેગેટિવ’. ‘નેગેટિવ’ રાખીએ તો કુદરત ‘હેલ્પ’ કોને કરે ? આપણી ‘ડિક્ષનરી’માં ‘નેગેટિવ’ ના હોવું જોઈએ.

૭૦૬  ‘અમે’ ‘નેગેટિવ’ને ‘પોઝિટિવ’થી જીતીએ છીએ.

૭૦૭  ‘નેગેટિવ’ ‘પોઝિટિવ’ ના થાય ને ‘પોઝિટિવ’ ‘નેગેટિવ’ ના થાય. કારણ બન્ને દ્વંદ્વ છે ને ‘પોતે’ દ્વંદ્વાતીત છે !

૭૦૮  ‘હા’ શબ્દમાં બહુ બધી શક્તિ છે અને ‘ના’ શબ્દમાં બહુ અશક્તિ છે.

૭૦૯  ‘નો’ (No) થી જગત અટકયું છે.

૭૧૦  ‘નો’ (No) કહેવાવાળા પુદ્ગલ પક્ષના છે અને ‘યસ’ (Yes) કહેવાવાળા મોક્ષ પક્ષના છે.

૭૮૬  દુખિયા લોકો જ બીજાને દુઃખ દે. સુખિયા તો બીજાને સુખ આપે.

૭૮૭  ભગવાન કહે છે કે મન-વચન-કાયા અને આત્માનો (પ્રતિષ્ઠિત આત્માનો) ઉપયોગ બીજા માટે વાપર. પછી તને કંઈ પણ દુઃખ આવે તો મને કહેજે.

૭૮૮  તમારા માટે કંઈ જ કરશો નહીં. લોકો માટે જ કરજો તો તમારા માટે કંઈ જ કરવું નહીં પડે.

૭૮૯  ધર્મની શરૂઆત જ ‘ઓબ્લાઈજિંગ નેચર’થી થાય છે.

૭૯૦ પૈસાથી જ કંઈ ‘ઓબ્લાઈજ’ કરાય છે એવું નથી, એ તો આપનારની શક્તિ પર આધાર રાખે છે. ખાલી મનમાં ભાવ રાખવાના કે કેમ કરીને ‘ઓબ્લાઈજ’ કરું, એટલું જ રહ્યા કરે તેટલું જ જોવાનું.

૭૯૧  પ્રામાણિકતા ને પરસ્પર ‘ઓબ્લાઈજિંગ નેચર’. બસ, આટલાની જ જરૂર છે.

૭૯૨  પરસ્પર ઉપકાર કરવાનો, આટલો જ મનુષ્યજીવનનો લ્હાવો છે !

૭૯૩  પોતાનો ને પોતાના ‘રીલેટિવ્ઝ’ માટે કોઈ સ્વાર્થ ના હોય ને પારકાં માટે જ બધી વૃત્તિઓ વહેતી હોય તો સિદ્ધિ ઉત્પન્ન થાય.

૯૧૯  વહેતા અહંકારનો વાંધો નથી પણ અહંકારને સહેજ પકડયો, એનું નામ આડાઈ. વહેતો અહંકાર તે નાટકીય અહંકાર છે. એનો વાંધો નથી.

૯૨૦  મોક્ષે કોણ જવા દેતું નથી ? આડાઈઓ !

૯૨૧  ‘અમારે’ ‘જ્ઞાન’ થતાં પહેલાં, વચગાળાની દશામાં આડાઈઓ હતી. તેની ‘અમે’ શોધખોળ કરી કે, જ્ઞાનપ્રકાશ, આ આડાઈઓ નથી થવા દેતું. તે પછી, તે બધી જ આડાઈઓ દેખી ને તેમનો વિનાશ થયો. ત્યાર પછી ‘જ્ઞાન’ પ્રગટ થયું !!! પોતે પોતાનું જ નિરીક્ષણ કરવાનું છે કે ક્યાં આડાઈઓ ભરેલી છે ! પોતે ‘ઓબ્ઝરવેટરી’ જ છે !

૯૨૨  આડાઈરૂપી સમંદરને ઓળંગવાનો છે. આપણે આડાઈની આ પાર ઊભા છીએ અને જવાનું છે સામે પાર. કોઈ આપણી આડાઈ ઉતારવા નિમિત્ત બને તો તેમાં અસહજ ન થતાં તે નિમિત્તને પરમ ઉપકારી માની સમતાથી વેદવું.

૯૨૩  આ જગતમાં આડાઈ સાથે આડાઈ રાખશો તો ઉકેલ નહીં આવે. આડાઈ સામે સરળતાથી ઉકેલ આવશે.

૯૨૪  મોક્ષે જવું હોય તો સરળ થવું પડશે. ત્યાં આડા થશો તો નહીં ચાલે. ગાંઠો કાઢી અબુધ થવું પડશે.

૯૨૫  આડાઈ તો બહાર વ્યવહારમાંય ના કરાય. ‘કલેક્ટર’ જોડે આડાઈ કરે તો એ શું કરે ? જેલમાં ઘાલી દે. તો ભગવાન આગળ આડાઈ કરે તો શું થાય ? ભગવાન જેલમાં ના ઘાલે. પણ એમનો રાજીપો તૂટી જાય !

૯૨૬  સંસાર નથી નડતો, તારી આડાઈઓ ને અજ્ઞાનતા જ નડે છે.

૧૧૬૭  નિરાગ્રહી થવું એ વીતરાગતાનો માર્ગ છે. જ્યાંથી ત્યાંથી આગ્રહ છોડી દે. સત્યના આગ્રહનેય ભગવાને અજ્ઞાનતા કહી. ‘અમારા’માં આગ્રહ નામેય ના હોય !

૧૧૬૮  મતાગ્રહથી ક્યારેય પણ મોક્ષ ના થાય. નિરાગ્રહીનો જ મોક્ષ છે.

૧૧૬૯  વીતરાગ વિજ્ઞાનમાં સહેજેય કદાગ્રહ ના હોય. મતાગ્રહ તો હોય જ નહીં.

૧૧૭૦  ખેંચ કે હઠાગ્રહ ના હોવાં જોઈએ. ખેંચને કહીએ કે ‘તમે જાવ.’ તો તે જાય, તેવી ખેંચ હોય તો ચાલે.

૧૧૭૧  આ જગતમાં એવું કોઈ સત્ય નથી કે જેનો આગ્રહ કરવા જેવો હોય! જેનો આગ્રહ કર્યો, એ સત્ય જ નથી !

૧૧૭૨  જ્યાં આગ્રહ ત્યાં પકડ, ને જ્યાં પકડ ત્યાં વ્યથા !

૧૧૭૩  ના ગમતી હોય, તેમ છતાં સામાના આગ્રહથી ચા પીવી પડે છે. તે ચા પીવાની આવે, તે આપણો દોષ ને સામો આગ્રહ કરે છે, તે તેનો પછી દોષ થાય છે !

૧૧૭૪  જેને આગ્રહનું ઝેર ના હોય, તેની આંટીઓ બધી નીકળી જાય.

૧૧૭૫  જેમાં આગ્રહો કર્યા છે, અભિપ્રાયો બાંધ્યા છે તેના જ વિચારો આવ્યા કરે !

૧૧૯૫ પોતાની ભૂલો દેખે એ પરમાત્મા થઈ શકે !

૧૧૯૬  પોતાની ભૂલો દેખાવાની શરૂ થાય ત્યારથી પરમાત્મા થવાની શરૂઆત થઈ ગઈ !

૧૧૯૭  જે પોતાના બધાય દોષો જોઈ શકે છે. તે ભગવાનનોય ઉપરી છે !

૧૧૯૮  પૂર્ણ જાગૃતિ થાય નહીં ત્યાં સુધી પોતે પોતાના સર્વ દોષો જોઈ શકે નહીં, ત્યાં સુધી નિર્દોષ થવાય નહીં.

૧૧૯૯  જ્યાં સુધી જગત દોષિત દેખાય છે ત્યાં સુધી ઈન્દ્રિય જ્ઞાન છે. ત્યાં સુધી અંદર શુદ્ધિકરણ થયું નથી.

૧૨૦૦  જગતના દોષ કાઢે, ત્યાં સુધી એક અક્ષરેય આત્માનો જડે નહીં. નિજદોષ દેખે એ જ આત્મા !

૧૨૦૧  જ્યારે પોતે પોતાના દોષ દેખે ત્યારે સ્વયંજ્યોતિ સુખધામ થાય !

૧૨૦૨  જ્યારે પોતે પોતાના દોષ જોશે, ત્યારે બીજાના દોષ જોવાની નવરાશ નહીં રહે !

૧૨૦૩  સ્વદોષ અને સ્વકલ્પનાથી ઊભું થયું છે આ બધું !

૧૨૦૪  કોઈનીય ખોડ કાઢવા જેવું આ જગત નથી. ખોડ કાઢી એટલે બંધાયા.

૧૨૦૫  આપણે ભૂલ વગરના થઈ જવું, તેથી માથે ઉપરી કોઈ ના રહે.

૧૨૦૬  ભગવાનને ભૂલ કાઢવાનો વખત ના આવે, તે જ ભગવાનનો ઉપરી. તે જ ભગવાનને વઢી શકે !

૧૨૦૭  જ્યાં પ્રેમ છે ત્યાં દોષ નથી. વેપારી પ્રેમ આવ્યો ત્યાં બધા દોષ દેખાય.

૧૨૦૮  આ જગતમાં કોઈ પણ માણસ તમારંુ કંઈ નુકસાન કરે છે, એ તો નિમિત્ત છે. તેમાં ‘રીસ્પોન્સિબલ’ (જવાબદાર) તમે જ છો. કોઈ માણસ કશું કરી શકે જ નહીં, એવું સ્વતંત્ર આ જગત છે ! અને કોઈ કરી શકતું હોત તો ભયનો પાર જ ના રહેત. કોઈને મોક્ષે જ ના જવા દેત.

૧૨૦૯  આપણો હિસાબ હોય તો જ કોઈ આપણું નામ દે. આપણે મહીં જો સહી ના કરેલી હોય તો કોઈ નામ ના દે. આ તો આપણી જ સહીને લીધે છે આ બધું !

૧૨૧૦  કોઈ આપણી ખોડ કાઢે તો જાણવું કે આપણામાં કચાશ છે. પછી કોઈ ઊંધું જ બોલનારો હોય, તેની વાત જુદી છે. પણ એવું ખાસ ના હોય.

૧૨૧૧  આખા દા’ડામાં કોઈનો કશો ગુનો થતો જ નથી. જેટલાં ગુના દેખાય છે, તે જ આપણી કચાશ છે.

૧૨૧૨  બીજાની ભૂલો જોવી એ તો ભયંકર ભૂલ છે !

૧૨૧૩  સામાને ખરાબ કહેવાથી કે ખરાબ જોવાથી પોતે જ ખરાબ થઈ જાય છે. લોક સારા દેખાશે ત્યારે પોતે સારો થશે.

૧૨૧૪  કોઈનોય દોષ દેખાય તે નિકાલી બાબત નથી, ગ્રહણીય બાબત છે!

૧૨૧૫  દોષબુદ્ધિથી દોષ દેખાય છે. સહેજ અવળા હેંડ્યા કે બધાય દોષિત દેખાશે !

૧૨૧૬  ‘અમને’ આત્મા સિવાય બીજું કશું જ રૂપાળું લાગતું નથી અને ખરાબ તો આ જગતમાં કોઈ ચીજ છે જ નહીં. ‘પોતાની’ બાઉન્ડ્રી ચૂકવી, એનું નામ ખરાબ !

૧૨૧૭  પોતાની ભૂલ ‘પોતાને’ જડે નહીં, એનું નામ જગત.

૧૨૧૮  પોતાની ભૂલ ‘પોતાને’ દેખાય, એનું નામ સમકિત.

૧૨૯૧  જે જેનો ‘પ્રોપેગન્ડા’ કરે, તે પ્રખ્યાતિમાં આવે અને ગુપ્ત રહે તે ખ્યાતિમાં આવે. કિંમત ખ્યાતિની છે, પ્રખ્યાતિની નહીં !

૧૨૯૨  જ્યાં કંઈ પણ ‘પોલીશ’ છે, ત્યાં ઊભા રહેશો નહીં, નહીં તો ફસાઈ પડશો.

૧૨૯૩  જ્યારે ધર્મમાં પૈસાનો વ્યવહાર બંધ થઈ જશે, ત્યારે ધર્મ શોભા આપશે !

૧૨૯૪  ‘લાઈફ’ ભોગવતાં ભોગવતાં મોક્ષે જવા માટે છે. ‘એબોવ નોર્મલ’ કે ‘બિલો નોર્મલ’ ના જોઈએ. ‘લાઈફ’ તો નોર્મલ જોઈએ.

૧૨૯૫  આપણે સીધા થવાની જરૂર છે, સાધુ થવાની જરૂર નથી.

૧૩૧૫  નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થાય એટલે ‘હાશ’ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ ‘હાશ’ કરવા જેવું નથી. કારણ કે ‘ટેમ્પરરી’ છે !

૧૩૧૬  લક્ષ્મી સહજભાવે ભેગી થતી હોય તો થવા દેવી પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને ‘હાશ’ કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે પહેલેથી ચેતીને ચાલો કે જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય.

૧૩૧૭  મહીં અનંત શક્તિ છે. તમે મહીં વિચાર કરો. તે જેવું વિચારો, તેવું બહાર થઈ જાય ! પણ આ તો મહેનત કરીને, વિચારોની પાછળ પડે છે તોય બહાર તેવું થતું નથી, એટલી બધી નાદારી ખેંચી છે મનુષ્યોએ ! કળિયુગ આવ્યો છે !

૧૩૧૮  ભગવાને કહ્યું, હિસાબ માંડશો નહીં. ભવિષ્યકાળનું જ્ઞાન હોય, તો હિસાબ માંડજો. અલ્યા, હિસાબ માંડવો હોય, તો કાલે મરી જઈશ એનો હિસાબ માંડને ?!

૧૩૧૯  પ્રામાણિકતાથી વેપાર કરજે. પછી જે થાય તે ખરંુ. પણ હિસાબ માંડીશ નહીં !

૧૩૨૦  એક ધંધાના બે છોકરા ! એકનું નામ ખોટ ને એકનું નામ નફો. ખોટવાળો છોકરો કોઈને ગમે નહીં, પણ બે હોય જ એ તો, બે જન્મેલાં જ હોય.

૧૩૨૧  પૈસાની પાછળ જ પડ્યા છે તે ક્યાંથી પૈસો લેવો, ક્યાંથી પૈસો લેવો. અલ્યા, સમશાન(સ્મશાન)માં શાના પૈસા ખોળો છો ? આ સંસાર તો સમશાન જેવું થઈ ગયું છે. પ્રેમ જેવું કશું દેખાતું નથી. પૈસા જે રીતે આવવાના છે, એનો રસ્તો કુદરતી છે. ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે. તેની પાછળ આપણે પડવાની શી જરૂર ? એ જ આપણને મુક્ત કરે તો બહુ સારંુ ને બાપ !!!

૧૩૨૨  લક્ષ્મી ક્યારે ના મળે ? લોકોની કૂથલી, નિંદામાં પડે ત્યારે. મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા અને વાણીની સ્વચ્છતા હોય તો લક્ષ્મી મળે !

૧૩૨૩  ખરી રીતે છેતરનારા એ જ છેતરાય છે ! ને છેતરાયેલો અનુભવને પામે છે, ઘડાય છે. જેટલું ખોટું નાણું હોય, તેટલું જ લૂંટાઈ જાય ને સાચું નાણું હોય, તો તેનો સદ્ઉપયોગ થાય !

૧૩૨૪  ‘સમજીને છેતરાવા’ જેવી પ્રગતિ આ જગતમાં કોઈ પણ નથી. આ સિદ્ધાંત બહુ ઊંચો છે.

૧૩૨૫  જે જાણી-બુઝીને છેતરાય તે મોક્ષનો અધિકારી !

૧૩૨૬  વિશ્વાસઘાત થાય તો ભાઈબંધનેય છોડી દે. અલ્યા, ના છોડાય ! મહીં પરમાત્મ શક્તિ છે અને ‘સ્વરૂપજ્ઞાન’ પ્રાપ્ત થાય તો પરમાત્મ દશાય આવી જાય !

૧૩૨૭  જ્યાં સુધી અહંકાર શૂન્યતાને ના પામે ત્યાં સુધી સંસારમાં ભય, ભય ને ભય જ છે.

૧૩૨૮  આ ભય અહંકારને જ છે. જ્ઞાની પુરુષને અહંકાર નથી તો તેમને કોઈ પણ પ્રકારનો ભય નથી.

૧૩૨૯  આ સંસારનો એટલો બધો ભો ના રાખવો કે જેથી પરલોક બગડે !

૧૩૩૦  વીતરાગ ક્યારે કહેવાય ? આ જગતમાં કોઈ ચીજ સંબંધી ભય ના લાગે ત્યારે.

૧૩૩૧  તમારે ભડક શી ? તમે પરમાત્મા છો ! પરમાત્મા ભડકે તો જગત ભડકી જશે ! ‘આપણે’ પ્રકૃતિને પેલે પાર છીએ.

૧૩૩૨  જગતમાં ભય પામવા જેવું નથી. જે કંઈ થશે, તે પુદ્ગલનું જ થશે ને?

૧૩૩૩  ભય કોને હોય ? જેને લોભ હોય તેને.

૧૩૩૪  વીતરાગનો સાર શો ? નિર્ભયતા !

૧૩૩૫  જે નિરંતર ગારવરસમાં – ઠંડકમાં રાખે છે એ કષાય જ ભટકાવનારા છે.

૧૩૩૬  જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર, ભય ગયો એટલે વેપાર બંધ.

૧૩૩૭  સંસાર કે ક્રિયાઓ નડતી નથી, કષાયો નડે છે !

૧૩૩૮  ક્રોધ-માન-માયા-લોભમાં જ જગતના બધા જ વિષયો સમાઈ જાય છે. ક્રોધ અને માયા એ તો રક્ષક છે. મૂળ લોભમાંથી જ ઉત્પન્ન થયું છે. માનીને માનનો લોભ હોય છે. કપટ પાછું એનું રક્ષણ કરે.

૧૩૩૯  આ જગતમાં જે સરળ નથી એ બધાય કપટવાળા છે.

૧૪૭૩  જીવનનાં બે પ્રકારે ધ્યેય નક્કી થાય છે : ‘જ્ઞાની પુરુષ’ આપણને મળે નહીં તો સંસારમાં એવી રીતે જીવવું કે આપણે કોઈને દુઃખદાયી ના થઈ પડીએ. આપણા થકી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ ના થાય એ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ અને બીજામાં તો પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો તેમના સત્સંગમાં રહેવું, તેનાથી તો તમારાં દરેક કામ થાય. ‘પઝલ’ ‘સોલ્વ’ થઈ જાય બધાં.

૧૪૭૪  મનુષ્યનું ધ્યેય શું ? હિન્દુસ્તાનના મનુષ્યો ખરેખર પરમાત્મા થઈ શકે છે. પોતાનું પરમાત્મપણું પ્રાપ્ત કરવું એ છેલ્લામાં છેલ્લું ધ્યેય છે !

૧૪૮૩  જલેબી ચાનું તેજ હણે. તેવી જ રીતે આત્માનું જ્યારે સુખ ચાખે, ત્યાર પછી આ સંસારનાં સુખો મોળાં લાગે. સંસારનાં સુખો મોળાં લાગે નહીં ત્યાં સુધી સંસાર છૂટે નહીં !

૧૪૮૪  જલેબીમાં સુખ નથી, તમારી કલ્પનામાં સુખ છે.

૧૪૮૫ કલ્પિત સુખનો વેપાર દુઃખ સાથેનો જ છે.

૧૪૮૬  સુખેય વેદના છે ને દુઃખેય વેદના છે. સુખ વેદના હોય તો એ સુખ જ ના કહેવાય. જે સુખ વધારે ચાખીએ અને તે દુઃખદાયી થઈ પડે એ સુખ જ કેમ કહેવાય ? આ તો બધી ભ્રાંતિવાળાઓની જંજાળ છે ! સુખના સમુદ્રમાં પડી રહે, પણ અભાવ ના થાય એ સાચું સુખ કહેવાય !

૧૪૮૭  ‘પોતાનું’ સુખ પોતાની સમશ્રેણીમાં છે. સમશ્રેણીમાં એટલે પોતાનું ત્રાજવું ઊંચું જાય નહીં ને સંસારનું નીચું જાય નહીં !

૧૪૮૮  તમને જો સુખ ગમતું હોય તો સુખ જેમાં છે તેને ભજો. સુખ ભગવાનમાં છે. ભગવાન તો અનંત સુખના ધામ છે અને જડની ભજના કરશો તો દુઃખ થશે કારણ જડમાં દુઃખ જ છે.

૧૫૦૦  આપણા લોકો તાવ જાય છે, તેને તાવ આવ્યો કહે છે ! જે તાવ મહીં ભરાઈ રહ્યો હતો, જે વિકારી ખોરાકનું પરિણામ છે તેને ‘વાઈટાલિટી પાવર’ ગરમી ઉત્પન્ન કરીને શુદ્ધતા લાવે છે.

૧૫૩૩  આપણે છૂટવું હોય તો આપણે હરીફાઈમાં ના રહીએ. હરીફાઈમાં હોઈએ ત્યાં સુધી સામો એના દોષ સંતાડે ને આપણે આપણા !

૧૫૩૪  હરીફાઈ છે ત્યાં ‘જ્ઞાન’ થતું નથી.

૧૫૩૫  હરીફાઈ એ કુસંગ છે.

૧૫૩૬  જ્યાં સ્પર્ધા ત્યાં સંસાર ને સ્પર્ધા ના હોય ત્યાં ‘જ્ઞાન’.

૧૫૩૭  આ ‘રેસકોર્સ’માં કોઈનો નંબર લાગેલો નહીં. ખાલી હાંફી હાંફીને મરી જાય ! ‘અમે’ આ દોડાદોડમાં કોઈ દહાડો ઊતરીએ નહીં. ‘અમે’ તો એક જ શબ્દ કહીએ કે, ‘ભઈ, અમારામાં બરકત નથી.’

૧૫૩૮  અનંત અવતાર ‘આ’ ‘રેસકોર્સ’માં દોડ દોડ કરીશ તોય છેલ્લે દહાડે તું છેતરાઈશ, એવું આ જગત છે ! બધું નકામું જશે ! ઉપરથી પાર વગરનો માર ખાવાનો ! એનાં કરતાં ભાગો અહીંથી, આપણી ‘અસલ જગ્યા’ ખોળી કાઢો ! જે આપણું ‘મૂળ સ્વરૂપ’ છે !

૧૫૩૯  આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. તમે ‘રેસકોર્સ’માંથી ખસ્યા કે તરત તમારી ‘પર્સનાલિટી’ પડશે. રેસકોર્સમાં ‘પર્સનાલિટી’ ના પડે. કોઈની જ ના પડે.

૧૫૪૦  આ જગતને કોઈ જીતી શકેલો જ નહીં. તેથી અમારી એક બહુ ઊંડી શોધખોળ છે કે જે આ જગતને જિતાડે. ‘અમે તો હારીને બેઠા છીએ, તારે જીતવું હોય તો આવ.’

૧૫૪૧  હારીને પછી જીતેલાને આશીર્વાદ આપે તે મોક્ષે જાય, ‘કમ્પલીટ’ થાય !

૧૫૪૨  જીતવા જશો તો વેર બંધાશે ને હારશો તો વેર છૂટશે !

૧૫૪૩  તમે કહો કે અમે હારી ગયેલા છીએ, તો જગત તમને છોડી દેશે. એ અમે શોધખોળ કરેલી. કારણ કે જગતને પહોંચી વળવા ગયા, તેથી કેટલાંય અવતાર કરવા પડ્યા. એ છેવટે અમે હાર્યા કહીને બેસી ગયા.

૧૫૮૧  કોઈને બહાર દુઃખ આપો તો મહીં દુઃખ ચાલુ થઈ જાય ! એવું આ વીતરાગોનું સાયન્સ છે. એક અવતાર બધાનાં દુઃખ લઈ લેશો તો અનંત અવતારનું સાટું વળી જશે !

૧૫૮૫  તમારો બહુ ખરાબ દોષ હોય પણ તેનો તમે ખૂબ પસ્તાવો કરો. ‘હાર્ટિલી’ પસ્તાવો કરો, તો તે ગયે જ છૂટકો. પણ લોકો ‘હાર્ટિલી’ નથી કરતાંને ? ઉપલક જ બોલે છે કે મારો દોષ છે !

૧૬૦૪  માતાના પેટમાંથી બચ્ચું બહાર આવે છે તે ઊંધું, માથેથી આવે છે. તે કોણે કર્યું ? બચ્ચાથી ફરાય? ‘ડૉક્ટર’ ખેંચે છે ? મા ધકેલે છે ? કોણ કરે છે ? આ ‘ઈફેક્ટ’ છે ! ‘પરિણામ’ છે ! ‘કોઝિઝ’ જે હતાં, તેનાં ‘પરિણામ’ સ્વાભાવિક રીતે થાય !

૧૬૦૫  ‘ઈફેક્ટ’ના આધારે આ બધું જગત ચાલી રહ્યું છે. ભગવાને આમાં હાથ ઘાલ્યો નથી. આ સમજ ના પડી તેથી લોકોએ, ભગવાનના માથે ઘાલ્યું !

૧૬૦૬  મન-વચન-કાયાના પરમાણુઓ એ ‘ઈફેક્ટિવ’ છે. ‘સાયન્સ’ શું કહે છે ? ‘ઈફેક્ટ’ કેમ અનુભવો છો ? ‘ઈફેક્ટ’ને તો માત્ર જાણવાની જ છે.

૧૬૦૭  ‘ઈફેક્ટસ’ને અનુભવે તો બંધ પડે. ‘ઈફેક્ટસ’ને પોતે એકલો અનુભવે તો ચીકણા બંધ ના પડે. સામાને સાથે લે તો ચીકણા બંધ પડે.

૧૬૦૮ મન-વચન-કાયા ‘ઈફેક્ટિવ’, બહારનું વાતાવરણ ‘ઈફેક્ટિવ’ ને આત્મા ‘અનઈફેક્ટિવ’ રહે તે છેલ્લી દશા !

૧૬૧૬  પોતાના હક્કનું ખાય તે મનુષ્ય થાય. અણહક્કનું ખાય તે જાનવર થાય. હક્કનું બીજાને આપી દેશો તો દેવગતિ થાય અને અણહક્કનું મારીને લેશો તો નર્કગતિમાં જાય.

૧૬૭૦  આટલું જ જાણવાનું છે : ‘આઈ’ અને ‘માય’નું ‘સેપરેશન’ કરને, તો આખું શાસ્ત્ર સમજી ગયો ! આખું બ્રહ્માંડ સમજી ગયો !!!

૧૬૭૧  ‘આઈ’ એ વસ્તુ સ્વરૂપે છે ને ‘માય’ એ સંયોગ સ્વરૂપ છે. સંયોગ સ્વરૂપ ને ‘વસ્તુ’ સ્વરૂપ એ બે જુદાં હોય.

૧૬૭૨  સ્થૂળ ‘માય’ ને બાદ કરતાં આવડે, પછી સૂક્ષ્મ બાદ કરવાનું. પછી સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ બાદ કરવાનું. આ બધું બાદ કરતાં કરતાં ‘આઈ’ જુદું પડી જાય !

૧૬૭૩  ‘આઈ’ ‘એબ્સોલ્યુટ’ છે. એને ‘માય’નાં ભૂતાં વળગ્યાં છે !

૧૬૭૪  ‘આઈ’ એ જ તમે ‘પોતે’ છો એટલું જ ‘રિયલાઈઝ’ કરવાનું છે !

૧૬૭૫  સ્થૂળ ‘માય’ને બાદ કરતાં તો બધાંને આવડે. પણ સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ‘માય’ને બાદ કરવાનું શી રીતે આવડે ? એ તો ‘જ્ઞાની પુરુષ’નું કામ.

૧૬૭૬  ‘આઈ’ વીથ ‘માય’, એનું નામ જીવાત્મા. ‘હું છું’ અને ‘આ બધું મારંુ છે’ એ જીવાત્મદશા. અને ‘હું જ છું’ અને ‘મારંુ ન હોય’ એ પરમાત્મદશા !!!

૧૬૭૭  ‘આઈ’ એટલે હું ને ‘માય’ એટલે મારંુ. ‘માય’ બધો પરિગ્રહ છે. પરિગ્રહ જેટલો ઉંચકાય એટલો રાખવો.

૧૬૭૮  ‘આઈ’ અને ‘માય’ એ બે જુદા જ ફાંટા છે. એ ક્યારેય ભેગા ના થાય. આમ કહેશે કે, ‘માય વાઈફ (મારી બૈરી), અમે બે એક જ છીએ. એક તો ના જ કહેવાય ને ? બે ‘આઈ’ જુદા જ હોય ને ?

૧૬૭૯  સંસારમાં સુખી થવાનો એક જ રસ્તો છે. ‘માય’ છોડીને લોકોની પાછળ પડો !

૧૬૮૦  ‘માય’ જેટલું કહેવામાં આવે છે તે બધું જ પરભાર્યું. ‘આઈ’ એ ‘પોતે’ છે ને ‘માય’ બધું પરભાર્યું છે, પુદ્ગલ છે. વ્યવહારમાં ‘આ મારંુ છે’ એમ બોલવામાં વાંધો નહીં. પણ અંદરખાને ‘આઈ’ ‘હું કોણ છું’ એ નક્કી કરી લેવું જોઈએ.

૧૬૮૭  અક્કલ તો કોનું નામ કહેવાય કે જેણે કોઈ દહાડો કોઈનીય નકલ ના કરી હોય તે.

૧૬૮૮  ‘મારે લીધે કોઈને અડચણ ના આવે’ એવું રહ્યું એટલે તો કામ જ થઈ ગયું ને !

૧૭૦૪ દરેક માણસે એટલું તૈયાર થવાનું છે કે કોઈ પણ જગ્યા બોજારૂપ ના લાગે. જગ્યા એનાથી કંટાળે. પોતે કંટાળો ના પામે, એટલે સુધી તૈયાર થવાનું છે. નહીં તો આ તો બધી અનંત જગ્યાઓ છે, ક્ષેત્રનો પાર નથી ! અનંત ક્ષેત્ર છે !

૧૭૦૫ સામાનું ‘વ્યૂ પોઈન્ટ’ શું છે તે જાણીને બોલો. પોતાની દ્ષ્ટિ સાથે તોળીને કે જોડીને બોલવું એ ગુનો છે.

૧૭૧૨  આ ભવમાં તમારે કરવાનું એટલું જ કે સામાને નિમિત્ત જાણી તમારે શાંત રહેવાનું. મન સહેજેય બગાડવા નહીં દેવાનું. મન બગડે તો નિમિત્તની માફી માગવી કે ‘હે નિમિત્ત ! તું તો નિમિત્ત છે, મારંુ મન બગડ્યું માટે માફી માંગું છું.’ આટલું જ કરવાનું છે ! એ પુરુષાર્થ છે !

૧૭૧૫  ધીરજ રાખવા જેવી વસ્તુ નથી, ધીરજ શીખવા જેવી વસ્તુ છે. ધીરજ કેવી રીતે શીખાય ? ધીરજવાળા પાસે બેસવાથી, ધીરજવાળાને જોવાથી શીખાય.

૧૭૧૬  બહાર બગડી ગયું હોય તો ભલે બગડી ગયું, પણ મહીં ના બગડવા દઈશ. દેવું આપવાની સગવડ ના હોય ત્યારે મહીં ચોખ્ખું રાખવું કે આપવું જ છે. તે મહીંનું બગડવા ના દીધું એટલે દેવાં આપવાનો સમય આવશે.

૧૭૧૭  લોકો મિત્રચારી તોડે છે તે મહીંની ને બહારની બન્ને તોડી નાખે છે. સંજોગવશાત્ બહારનું બગડ્યું, પણ મહીંનું ના બગડવું જોઈએ.

૧૭૧૮  અંદરનું ના બગડ્યું એટલે ‘આપણું’ ના બગડ્યું. બહારનું બગડેલું લાકડામાં જશે. પછી બહારનું સુધરે કે નાય સુધરે.

૧૭૧૯  જો અંદર કશું ના બગડતું હોય તો બહાર કશું જ બગડતું નથી. જગતનું આ ગુપ્ત રહસ્ય છે.

૧૭૨૦  લોકોને દેવાં બહુ થઈ જાય એટલે પહેલાં એમ થાય કે આપવું છે પછી એમ થાય કે શું આપવું છે ? તો એ બગડ્યું ! અંદરની સહી ના કરી આપવી.

૧૭૨૧  મહીંથી જે ખબર પડે છે, ‘ઈન્ફર્મેશન’ (સૂચના) મળે છે, એ પુણ્ય-પાપ બતાવે છે. મહીં બધું જ જ્ઞાન-દર્શન છે. મહીંથી બધી જ ખબર મળે. પણ તે ક્યાં સુધી મળે કે જ્યાં સુધી તમે આંતરો નહીં. એનું ઉલ્લંઘન કરો તો ‘ઇન્ફર્મેશન’ આવતી બંધ થઈ જશે.

૧૭૨૪  પૌદ્ગલિક ક્રિયા માત્ર સંસાર ફળ આપનારી છે. નકામી નહીં જાય. તમે શેરડી વાવશો તો મીઠું ખાશો ને કારેલી વાવશો તો કડવું ખાશો. જે રસ તમને ગમતો હોય તે વાવજો, ને મોક્ષે જવું હોય તો વાવવાનું બંધ કરી દો. બીજ જ નાખવાનાં બંધ કરી દો.

૧૭૨૫  અજ્ઞાનભાવથી જે કરવામાં આવે છે તે બધું બંધન છે. જ્ઞાનભાવે જે કરવામાં આવે છે તે બધું મુક્તિને આપનારંુ છે.

૧૭૨૬  કોઈનોય અહંકાર ભગ્ન કરીને આપણે સુખી થઈએ જ નહીં, અહંકાર તો એનું જીવન છે !

૧૭૨૭  જે ‘ઈગોઈઝમ’ બીજાને દુઃખ આપવા માટે વપરાય છે, તે પોતાને જ દુઃખ આપે છે. જે ‘ઈગોઈઝમ’ બીજાને સુખ આપવા માટે વપરાય છે તે પોતાને જ સુખનું કારણ થઈ પડે છે !

૧૭૨૮  અભિમાન નિવૃત્ત ના થાય ત્યાં સુધી નર્યું દુઃખ, દુઃખ ને દુઃખ જ હોય !

૧૭૨૯  અહંકારનો અર્થ શો ? આંધળું થવું, પોતાની દ્ષ્ટિથી. ‘જ્ઞાની’ અહંકાર કાઢી આપે.

૧૭૩૦  મોટામાં મોટી નબળાઈ કઈ ? ‘ઈગોઈઝમ’. ગમે તેટલાં ગુણવાન હો, પણ ‘ઈગોઈઝમ’ હોય તો ‘યુઝલેસ’ (નકામું). ગુણવાન તો નમ્રતાવાળો હોય તો જ કામનો.

૧૭૩૧  અહંકાર કેવો હોવો જોઈએ ? લોકો ‘એક્સેપ્ટ’ કરે એવો.

૧૭૩૨  ‘ઈગોઈઝમ’ હોય તેનો વાંધો નથી. પણ એ ‘નોર્મલ’ હોવો જોઈએ. ‘નોર્મલ’ ‘ઈગોઈઝમ’ એટલે સામાને દુઃખ ના થાય.

૧૭૩૩  ભૂતકાળ શાથી વાગોળે છે ? અહંકાર ઘવાયેલો છે તેની દવા કરે છે!

૧૭૩૪  અહંકારને ને લક્ષ્મીને બહુ વેર છે. જે કામ કરવાનું છે એટલાં પૂરતો જ અહંકાર હોવો જોઈએ. એથી વધારાનો અહંકાર હોય, ફેલાયેલો અહંકાર હોય, તેને ને લક્ષ્મીને બહુ વેર. લક્ષ્મી ત્યાંથી છેટી રહે.

૧૭૩૫  ખાલી અહંકાર કરીને ફરે છે ને છેવટે પેલાં લાકડાંમાં જાય છે એવી દયાજનક સ્થિતિ છે ! અને બહુ સારો માણસ હોય, તેને ચંદનનાં લાકડાં મળે. પણ લાકડાં જ ને ?! જે મરે જ નહીં એ ખરો શૂરવીર.

૧૭૩૬  એક ‘જ્ઞાન’ એકલું જ મુક્તિ આપનારંુ છે. સર્વ સાધન બંધનરૂપ છે!

૧૭૩૭  જગતમાં કોઈ વસ્તુની ‘વેલ્યુ’ નથી, તેમ કોઈ વસ્તુની ‘ડીવેલ્યુ’ કરવાની જરૂર નથી.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s