Jssyouth's Blog

An experience sharing forum for JSS Youth…

તું શાને કરે અફસોસ, શાને વ્યથિત છે ? અવ્યવસ્થિત પણ અહીં સદા ‘વ્યવસ્થિત’ છે ! November 13, 2011

Filed under: Satsang — jssyouth @ 6:45 pm

By – સંવેદનાના સૂર – નસીર ઇસમાઇલી

http://www.gujaratsamachar.com/20111109/purti/shatdal/samvedana_sur.html

અચાનક મળેલા એ આંચકાજનક આઘાતી સમાચાર સાથે આમ તો હવે તમારે કોઈ નિસ્બત નહોતી આલોક. પણ તો યે એ સમાચારે તમને ચોંકાવી તો મૂક્યા જ હતા, અને એ સમાચાર આઘાતી હોવા છતાં તમારા મનમાં એક અજીબ પુલકિતતાની લાગણી પણ જન્માવી ગયા…
… એ સમાચાર કસ્તુરી અંગેના હતા. તમારા કોલેજકાળની સહાઘ્યાયિની સખી અને તમારી સ્વપ્નમૂર્તિ કસ્તુરી, જેની ચંપઈ રૂપસુગંધ અને છલકતી સ્મિત સુગંધથી આખીય કોલેજ મહેકી ઊઠતી. તમારા તો સપનાં ય એ કાળમાં એ રૂપસુગંધ અને સ્મિતસુગંધથી હંમેશા તરબતર રહેતાં આલોક.
ત્યારે આમ તો આલોક તમે એક સામાન્ય મઘ્યમવર્ગના, સામાન્ય દેખાવના, અને અભ્યાસે પણ એવા સરેરાશ સ્માર્ટ યુવાન હતાં, જ્યારે કસ્તુરી એક સમૃદ્ધ કુટુંબની ક્યારીનું મઘમઘતું રૂપાળું ફૂલ. પરંતુ કસ્તુરી અને તમારી જ્ઞાતિ એક જ હતી અને તમારા મમ્મી તથા કસ્તુરીના મમ્મી વચ્ચે જ્ઞાતિદાવે કંઈક બહેનપણાં જેવું પણ હતું. એટલે તો કોલેજમાં કોઈને ‘ઘાસ’ ન નાંખતી કસ્તુરીનો ચાર્મંિગ ચહેરો તમારી સાથે નજર મળતાં મૈત્રીસભર સ્મિત સુગંધથી છલકાઈ જતો, ને તમારા યુવા રોમેરોમ પુલકિત થઈ જતાં. અને દિવસે દિવસે તમારા એ પ્રણયી મૈત્રી-સ્મિતો એક બીજાની કરીબ આવતા ગયેલાં. બે-ત્રણ વાર તો કસ્તુરી એના મમ્મી સાથે તમારા ટચુકડા ફલેટમાંય આવી ગયેલી આલોક, તો તમે પણ નોટસની આપ-લેના બહાને કસ્તુરીના બંગલે ચ્હા પી આવેલા. એટલે તમને આશા હતી આલોક કે, તમારો ફટિચર ફલેટ ક્યારેક તો કસ્તુરીની રૂપસુગંધથી કાયમ માટે મહેકી જશે.
પણ એવું બન્યું નહોતું. તમે તમારી મનસા તમારા મમ્મીને જણાવી હતી આલોક એટલે તમારા મમ્મી જ એ વાતલઈને કસ્તુરીના બંગલે ગયેલાં, જ્યારે તમારી ફાઈનલ બી.કોમ.ની પરીક્ષાનું છેલ્લું પેપર હતું. પણ કસ્તુરીના મમ્મીએ બહુ જ વિવેકપૂર્ણ સ્વરે એ વાતને નકારી કાઢતાં કહેલું,
‘તમારો આલોક બહુ સારો છોકરો છે. પણ કસ્તુરીના ડેડી, એમની સાથે જ ઝવેરી-બજારમાં જ્વેલર્સનો સૌથી મોટો શો-રૂમ ધરાવતાં, અમારા કુટુંબના બરના અને એમના મિત્ર જયંત ઝવેરીના દિકરા પારસ સાથે કસ્તુરીના વેવિશાળની વાત નક્કી કરી ચુક્યા છે.
પારસ જયંતભાઈનો એકનો એક દિકરો છે, એમ.બી.એ. થયેલો છે, ને એ કસ્તુરીને પસંદ પણ કરી ચુક્યો છે. બસ કસ્તુરીની આ બી.કોમ.ની પરીક્ષા આજે પૂરી થાય પછી તુરંત સગાઈ, ને માગસરમાં લગ્ન ઉકેલી દેવાના છે.’
અને કસ્તુરીના લગ્નનો દિવસ અને તમારી સરકારી કારકુનીનો પહેલો દિવસ બંને એક જ તારીખે હોવાથી તમે કસ્તુરીને પારસ સાથેના લગ્નમાં જોડામાં પણ નહીં જોઈ શકેલાં આલોક.
પછી સ્મિતા સાથે લગ્ન. સ્મિતા એક સરેરાશ દેખાવની, તમારા બરના સામાન્ય મઘ્યમવર્ગીય કુટુંબની, પણ હસમુખી અને શાંત કહ્યાગરા સ્વભાવની યુવતી હતી. પત્ની તરીકે સ્મિતા આદર્શ સાબિત થઈ. તમારી – બાળકોની નાનામાં નાની જરૂરિયાતની દિલથી કાળજી લઈ એ પૂરી પાડતાં સરળ હૃદયની સ્મિતા સ્મિત અને આનંદથી છલકાઈ જતી. અલબત્ત બે દિકરાઓના પિતા બન્યા પછી ય, વર્ષો વીત્યા પછીય, કસ્તુરીએ તો તમારા દિલો-દિમાગનો કબજો મૂક્યો જ નહોતો આલોક. ક્યારેક ઓફિસે જતાં, કોઈક ટ્રાફિક સિગ્નલના ચૌરાહા પર રેડ સિગ્નલ હોય ને કસ્તુરીની કાર આકસ્મિક તમારા સ્કૂટરની સમાંતરે નજીક આવી ઊભી રહેતી ત્યારે કારની વિન્ડોનો સ્મોક-ગ્લાસ ઉતારી એ તમને એની કોલેજકાળની પરિચીત સ્મિતસુગંધથી ભરી દેતી.પણ ટ્રાફિક સિગ્નલની લાઈટ ગ્રીન થતાં જ એની કંિમતી કાર તમારાથી ક્યાંય દૂર દૂર આગળ સરીને અદ્રશ્ય થઈ જતી.
વર્ષોના વારિમાં ઘસીટાતી તમારી જંિદગી એમ જ ફંટાતી ગઈ કંટાતી ગઈ આલોક ને આજે આ જ શહેરમાં કસ્તુરી નામની હસીન ઘટનાને તમારી જંિદગીમાં ઘટા ગયે ચાર દાયકા વીતી ગયાં છે. તમારા બંને સ્કોલર દિકરાઓ અવ્વલ નંબરે ભણીને આજે અમેરિકા સેટલ થઈ ચૂકેલાં છે આલોક, ને વિદેશ વસતા મોટા ભાગના સંતાનોની જેમ તમારી દિશામાંથી ચહેરો ગુમાવી ચુકેલાં છે. અલબત્ત તમને એનો અફસોસ નથી આલોક. બલ્કે એક પ્રકારનો સંતોષ છે કે, જ્યાં તમે નહોતાં પહોંચી શક્યા એ ‘સુખ’ નામના પ્રદેશની સરહદમાં તમે તમારા સંતાનોને પ્રવેશ કરાવી શક્યા છો.
આજે તમે ઇમાનદારીપૂર્વકની સરકારી કારકુનીને સેક્શન-ઓફિસર સુધી પહોંચાડી, રિટાયર્ડ થઈ ચુકેલાં છો. આ શહેરમાં પોતાનું મકાન બનાવી ચુકેલાં છો, અને તમારી સ્મિત સફર સંતોષી, સ્વસ્થ પત્ની સ્મિતા તમારી પ્રેમપૂર્વક કાળજી લઈ રહી છે. એ કાળજીના લીધે જ શાયદ બ્લડ-પ્રેશર, અસ્થમા, ડાયાબીટીસ જેવી તકલીફોની બાવજૂદ તમે સ્મિતાસંગે એક ખુશહાલ પેન્શની રિટાયર્ડ લાઈફ ગુજારી રહ્યા છો આલોક. અને ત્યારે… હમણાં અત્યારે જ….
… હમણાં જ તમને જ્ઞાતિના એક આંતકાજનક આઘાતી સમાચાર મળ્યા છે આલોક કે, તમારી કોલેજકાળની સ્વપ્નસખી કસ્તુરીનું આજે અચાનક હાર્ટ-એટેકથી અવસાન થઈ ગયું છે. એ સમાચારના આંચકાએ પહેલાં તો તમને એટલાં જ અસ્વસ્થ બનાવી મૂક્યા આલોક, જેવા તમે ચાર દાયકા પહેલાં કસ્તુરીના લગ્ન-સમાચારથી અસ્વસ્થ બનેલાં ને તમને લાગેલું કે, ‘આ જંિદગી સાલી આઘાતી આંચકાઓથી ભરેલી એક અવ્યવસ્થિત ઘટમાળ માત્ર જ છે.’
કસ્તુરી-અવસાનની ખબરથી – એક અઘૂરા રહી ગયેલા ખ્વાબની અણધારી વિદાયથી અસ્વસ્થ તો તમે આજે પણ એટલાં જ થઈ ગયા છો આલોક. પણ…
… આ અસ્વસ્થતાની પડછેથી ફૂટી નીકળેલા એક વિચિત્ર વિચારની સરવાણીએ તમને એક અજીબ પુલકિતતાથી પણ ભરી દીધા છે. તમને એ વિચાર આવ્યો આલોક કે, ધારો કે કસ્તુરી અત્યારે તમારી પત્ની હોત, ને આ ઘટના ઘટી હોત તો આ નાદુરસ્ત તબિયતે પાછલી ઉંમરે તમે આ દુનિયાના અફાટ રણમાં સાવ જ એકલાં પડી ગયા હોત, જેની સંભાળ લેનારું કોઈ જ ન હોય. એટલે અવ્યવસ્થિતતાઓની ઘટમાળ જેવી લાગતી આ જંિદગીમાં ય કોઈ અદ્રશ્ય ‘વ્યવસ્થિતતા’ તો ક્યાંક છુપાયેલી છે જ, જેનો આપણને અંદાજ નથી હોતો.
અલબત્ત, કસ્તુરીને માત્ર જ્ઞાતિની એક પ્રતિષ્ઠિત જાજરમાન સ્ત્રી તરીકે જ જાણતી સ્મિતા તો અત્યારે, આ દુઃખદ સમાચાર મળ્યા પછી ય, પેલા વિચિત્ર વિચારની પુલકિતતાએ તમારા વયસ્ક ચહેરા પર દોરેલી એક સ્મિતની રેખાને કંઈક આશ્ચર્યભેર નિહાળી રહી છે આલોક…
(અર્પણ ઃ અક્રમ વિજ્ઞાની પૂ.દાદા ભગવાનને-૧૦૪મી જન્મજયંતિએ)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s